મુઝ મેં જો કુછ અચ્છા હૈ, સબ ઉસકા હૈ! – ચિંતનની પળે

મુઝ મેં જો કુછ અચ્છા

હૈ, સબ ઉસકા હૈ!

65

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

આવ જોઈ લઉં તને પણ છું હજી ભાનમાં,

તુંય ઘા આપી શકે! હમણાં જ આવ્યું ધ્યાનમાં.

હોય હિંમત આવ મસળી નાખ હું ઊભો જ છું,

ઝેર શું રેડ્યા કરે છે પથ્થરોના કાનમાં?

-ચંદ્રેશ મકવાણા.

 

‘હું આવો નહોતો. મારી જિંદગીમાં એનો પ્રવેશ થયો અને હું બદલાયો. કેટલો બદલાયો, કેવો બદલાયો એ ખબર નથી. હા, એટલી ખબર છે કે હું અગાઉ હતો એવો નથી. એણે મને મારી જ ઓળખાણ કરાવી. મારામાંથી મને જ શોધી આપ્યો. મને ક્યાં ખબર હતી કે હું આટલો હળવો છું. હું મારાથી જ અજાણ હતો. હું કદાચ થોડોક સારો થયો છું. જે થયું એ શું છે? એની અસર છે? હા, અસર હોય છે. એ દરેક વ્યક્તિની અસર હોય છે જે તમારી નજીક હોય છે, જે તમારી નજીક આવે છે. અસર સારી પણ હોઈ શકે અને ઇફેક્ટ નેગેટિવ પણ હોઈ શકે. સંગનો રંગ લાગતો જ હોય છે. એ રંગ બ્લેક હોઈ શકે, વ્હાઇટ હોઈ શકે, ગ્રે હોઈ શકે અથવા તો રંગીન હોઈ શકે.’

 

મેઘધનુષના રંગ ક્યાંથી આવે છે? વૈજ્ઞાનિક કારણો ભલે ગમે તે હોય, પણ એક વાત નક્કી છે કે જો વાદળ અને વરસાદ ન હોય તો મેઘધનુષ રચાતું નથી. દરિયાનું ફીણ કેમ કિનારે જ સર્જાય છે? એટલા માટે કે ત્યાં પાણી અને પથ્થરનું મિલન થાય છે. મધદરિયે ઊંડાણ હોતું હશે, પણ ઉત્કટતા તો કિનારે જ હોય છે. માણસને પણ કોઈ કિનારો હોતો હશે? કદાચ પોતાની વ્યક્તિ એ દરેક માણસનો કિનારો હોય છે. એવો કિનારો જ્યાંથી એ છલકાઈ શકે. ફીણ એ પથ્થર અને પાણીના મિલનની કવિતા છે અને ફીલ એ બે વ્યક્તિના સંગાથનું સંગીત છે.

 

તમારા સત્ત્વની તમને ખબર છે? તમારા તત્ત્વની તમને ઓળખ છે? તમારી હરકત એ કોની બરકત છે? કઈ વ્યક્તિ તમારી આદત છે? આપણે વ્યસની છીએ. દરેક વ્યક્તિને એક વ્યસન તો હોય જ છે. માણસનું વ્યસન! પોતાની વ્યક્તિનું વ્યસન. તમને કોને એવું કહેવાનું મન થાય છે કે, તું મારું વ્યસન છે. મને તું જોઈતી હોય છે. તું ન હોય તો મારું અંગેઅંગ તૂટે છે. તારા નશાની મને આદત પડી ગઈ છે. તને ન જોઉં તો આંખોમાં ઉનાળો બેસી જાય છે. મારી આંખોમાં તું મૌસમની જેમ ખીલતી, ઊગતી અને જાગતી રહે છે. તારા સાંનિધ્યનું ‘ક્રેવિંગ’ થાય છે. તારા સ્પર્શના ઉચાટમાં ટેરવાં પણ ધ્રૂજતાં રહે છે. તારા વગર અસ્તિત્વ સંકોચાતું હોય છે. તું હોય છે ત્યારે હું વિસ્તરી જાઉં છું. તારા વગર બધું જ ખાલીખમ અને મને મારા હોવા વિશે જ ભ્રમ જાગે છે. આ વ્યસન નથી તો શું છે? આ નશો નથી તો શું છે? મને તારો કેફ ચડે છે.

 

ઘણી વખત તો મને સમજાતું નથી કે તું મને શા માટે જોઈએ છીએ? રડવા માટે પણ મને તું જોઈએ છે અને હસવા માટે પણ તારો જ સાથ જોઈએ છે. હસવા, રડવા, ઝઘડવા, મસ્તી કરવા, ગાંડા કાઢવા અને હું મને જ ભૂલી જાઉં એટલા માટે મને તું જોઈએ છે. સાવ સાચું કહું, મને તો જીવવા માટે તું જોઈએ છે. તારા વગર હું મારી જ કલ્પના કરી શકતો નથી. મારા સપનામાં તું છે, મારી સંવેદનામાં તું છે, મારા શબ્દોમાં તું છે, મારી પ્રાર્થનામાં તું છે, મારી હસ્તીમાં તું છે, મારી ખ્યાતિમાં તું છે અને મારી હયાતિમાં તું છે. આવું તમને કોના માટે થાય છે?

 

આપણામાં સતત કંઈક ઉમેરાતું હોય છે. જન્મ થાય ત્યારે તો આપણે સાવ ખાલીખમ હોઈએ છીએ. આપણી આસપાસના લોકો, આપણી નજીકનું વાતાવરણ અને બીજું ઘણું બધું આપણામાં કંઈક ઉમેરતું રહે છે. વિચારોનો પણ એક આકાર બનતો રહે છે. વિચારોનો આકાર હોય? હા, કદાચ હોય! આપણે જેની સાથે રહીએ એવા લોકોની અસર આપણા વિચારોના આકાર પર પડે છે. તમારી સાથેની વ્યક્તિ તમને નાજુક પણ બનાવી શકે અને ક્રિમિનલ પણ, સારા પણ બનાવી શકે અને નઠારા પણ, માયાળુ પણ બનાવી શકે અને કાંટાળા પણ! આપણા લોકોમાંથી થતી અસરો આપણે ચકાસીએ છીએ, આપણે આપણી સમજ મુજબ એને માપીએ છીએ. આપણે તેના પર વિચાર કરીએ છીએ. બહારના વિચાર અને અંદરના વિચાર ત્રાજવે તોળાતા રહે છે. એ ત્રાજવું નમી જાય છે જેની અસર આપણા પર વધુ થાય છે. આપણે એ તપાસતા રહેવાનું હોય છે કે આપણને બહારની અસર વધુ થાય છે કે અંદરની?

 

બહારની અસર થાય એમાં પણ વાંધો નથી. આપણને માત્ર એટલી ખબર હોવી જોઈએ કે એ અસર વાજબી, લાયક અને યોગ્ય તો છેને? દોસ્તી અને પ્રેમની આપણા ઉપર સૌથી વધુ અસર થતી હોય છે. પ્રેમમાં પડે ત્યારે માણસમાં એકસાથે અનેક તત્ત્વોમાં ઊભરો આવે છે. પ્રેમમાં હોય ત્યારે માણસ હોય એના કરતાં થોડોક વધુ સારો બને છે, થોડોક દયાળુ બને છે, થોડોક આધ્યાત્મિક બને છે, થોડોક ઝિંદાદિલ બને છે, થોડોક ઉમદા બને છે. પ્રેમમાં હોઈએ ત્યારે શ્રેષ્ઠ સર્જન થાય છે, કારણ કે ત્યારે સંવેદનાઓ સોળે કળાએ ખીલેલી હોય છે.

 

તમારામાં જે સારું છે એ કોનું છે? કાશ્મીરીલાલ ઝાકિરની એક ગઝલની પંક્તિ છે. મુઝ મેં જો કુછ અચ્છા હૈ, સબ ઉસકા હૈ, મેરા જિતના ચર્ચા હૈ, સબ ઉસકા હૈ…. તમારામાં જે સારું છે એના માટે જે કારણભૂત છે એની કદર કરો. અમુક વ્યક્તિ આપણા માટે આપણી ‘કમજોરી’ બની જાય છે. એને આપણે કોઈ વાતની ના કહી શકતા નથી. એના માટે ગમે તે કરવા તૈયાર થઈ જઈએ છીએ. જિંદગીમાં અમુક વ્યક્તિ ‘અપવાદ’ હોય છે. આપણા બધા નિયમ, સિદ્ધાંત, માન્યતા અને બધું જ આખી દુનિયાને લાગુ પડે છે, પણ એ વ્યક્તિને નહીં જે આપણા માટે ‘સ્પેશિયલ’ છે. તમારી જિંદગીમાં એવી વ્યક્તિ હશે જ કે જેને એમ કહેવાનું મન થાય કે તારા માટે કંઈ પણ કરી શકું છું.

 

બાય ધ વે, તમે કોઈ વ્યક્તિની કમજોરી છો? કોઈ તમને બેઇન્તિહા પ્રેમ કરે છે? તમારા સુખ જ નહીં, તમારા દુ:ખની પણ જેને પરવા છે, તમારા આનંદની જ નહીં, તમારી પીડાની પણ જેને ખબર છે, એ વ્યક્તિને તમે એટલી જ ચાહો છો? એક પ્રેમી-પ્રેમિકાની આ વાત છે. પ્રેમિકા ખૂબ જ ચાહે, પણ સામા પક્ષેથી જે રિસ્પોન્સ મળવો જોઈએ એ ન મળે. તેના પ્રેમીને ખબર પડી ગઈ હતી કે હું તેની કમજોરી છું. હું કહીશ એમ જ એ કરવાની છે. મારા વગર એને કંઈ દેખાતું જ નથી. એ પોતાની પ્રેમિકાને ટેકન ફોર ગ્રાન્ટેડ જ લેતો હતો. એક દિવસ તેની પ્રેમિકાએ કહ્યું કે, હા, તું મારી કમજોરી છે, પણ તું એ કમજોરીનો ફાયદો ન ઉઠાવ. મારા પ્રેમનો એવો અર્થ ન કાઢ કે તારા વગર હું રહી નથી શકતી એટલે ક્યાં જવાની? હા, હું તારા વગર નથી રહી શકતી, પણ તું જો આ જ રીતે મારા વગર રહેવા લાગીશ તો ક્યાંક ધીમે ધીમે મને પણ એ જ રીતે રહેવાની અને જીવવાની આદત પડી જશે.

 

પ્રેમની તીવ્રતા બંને પક્ષે એક્સરખી હોય તો જ પ્રેમની પરાકાષ્ઠા અનુભવાય છે. બનવાજોગ છે કે બંને તરફથી પડઘો એક્સરખો ન હોય. કોઈનો થોડોક વધુ હોય તો કોઈનો થોડોક ઓછો, પણ એ પડધો મહેસૂસ થવો જોઈએ. પ્રેમીઓમાં એક સવાલ ઓલવેઝ પુછાતો હોય છે કે કોણ વધુ પ્રેમ કરે છે? તું મને વધુ પ્રેમ કરે છે કે હું તને? હું તને વધુ યાદ આવું છું કે તું મને? પ્રેમનું કોઈ માપ નીકળી ન શકે. પ્રેમ તો વર્તાઈ આવતો હોય છે. બે વ્યક્તિ એકબીજાની સામે જુએ અને જે કેમેસ્ટ્રી રચાય એમાં પ્રેમ ઝળકી જાય છે. અમુક લોકોને જોઈએ કે તરત જ ખબર પડી જાય કે, એ બંને એકબીજામાં ઓતપ્રોત છે.

 

પ્રેમમાં હોય ત્યારે તો બે જીવ એકબીજા સાથે મળેલા જ હોય છે. એકબીજાની નાની-નાની વાતની ખબર પણ હોય છે અને અસર પણ હોય છે. આ પ્રેમ એકધારો રહેવો જોઈએ. જોકે, એવું થતું નથી. ધીમે ધીમે આપણે એને ‘ઇઝીલી’ અને ‘લાઇટલી’ લેવા માંડીએ છીએ. ક્યારેક વળી એટલા બધા પાછળ લાગી જઈએ છીએ કે આપણી જ વ્યક્તિને ‘એન્ક્રોચમેન્ટ’ લાગવા માંડે છે. પ્રેમમાં કે દાંપત્યમાં જેટલો પ્રેમ જરૂરી છે એટલી જ સ્પેસની પણ જરૂર હોય છે. તમારી વ્યક્તિ દ્વારા તમારામાં જે સારાપણું ઉમેરાયું છે તેને ફીલ કરો અને દરરોજ ફીલ કરો. પ્રેમ અને દાંપત્યમાં સૌથી મહત્ત્વની વાત હોય તો એ છે કે, બંનેને એકબીજાની માટે પૂરતો આદર, પૂરતું ગૌરવ અને પૂરતો પ્રેમ હોય. પ્રેમ એ તો દરરોજ જીવવાની ઘટના છે.

 

છેલ્લો સીન:

જિંદગીમાંથી પ્રેમને સુકાવા ન દો, જો એવું થશે તો ધીમે ધીમે જિંદગી પણ સુકાવા માંડશે.    – કેયુ.

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 04 જાન્યુઆરી, 2017, બુધવાર. ચિંતનની પળે કોલમ)

04-january-2017-65

 

Krishnkant Unadkat

Krishnkant Unadkat

4 thoughts on “મુઝ મેં જો કુછ અચ્છા હૈ, સબ ઉસકા હૈ! – ચિંતનની પળે

  1. Nice article Sir….
    “જિંદગીમાંથી પ્રેમને સુકાવા ન દો, જો એવું થશે તો ધીમે ધીમે જિંદગી પણ સુકાવા માંડશે.”

  2. You are the best in how to live reletionship and how to live with someone or without someone…
    Whenever i read your artical i feel realy good and i teach a new lesson in every article of yours…so thank you so much and keep writing like this for us……

Leave a Reply

%d bloggers like this: